પેટ્રોલ-ડીઝલના ભાવમાં જબરદસ્ત ઉછાળો, છેલ્લા પાંચ દિવસથી સતત વધી રહી છે કિંમતો, જાણો આજના રેટ
પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો ચાલુ છે.
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો ચાલુ છે. સોમવારે પાંચમા દિવસે પણ ભાવોમાં વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 70 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયો. રાજધાનીમાં 38 પૈસા પ્રતિ લીટરનો વધારો થતા પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 70.13 રૂપિયા થઈ ગયો. જ્યારે ડીઝલના ભાવમાં 49 પૈસાનો વધારો થયો. જેના કારણે દિલ્હીમાં ડીઝલનો ભાવ 64.18 રૂપિયા પ્રતિ લીટર થયો.
આ બાજુ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પણ પેટ્રોલના ભાવમાં 38 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. જેના કારણે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 75.77 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 52 પૈસાનો વધારો થયો છે અને પ્રતિ લીટર 67.18 રૂપિયા થયો છે.
અત્રે જણાવવાનું કે પેટ્રોલ અને ડીઝલના આ ભાવ આગામી કેટલાક દિવસો સુધી વધતા રહી શકે છે. ક્રુડ ઓઈલ મોંઘુ થવાના કારણે ભાવ વધી રહ્યાં છે. 27 ડિસેમ્બરથી સતત ભાવ વધી રહ્યાં છે. હાલ ક્રુડ ઓઈલનો ભાવ 60 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. હવે જો અહીંથી તેનો ભાવ એક બે ડોલર પણ ઉપર જશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ એ કે બે રૂપિયાનો વધારો થઈ શકે છે.